Skip to main content

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા,

યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા.

યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા.


તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે.


ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહી જશો. બર્મા ખાતે વસવાટ કરતા મેમણ વેપારી ભાઈ અ.હબીબ હાજી યુસુફ મારફાનીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને ચરણે ન કેવળ પોતાની તમામ મિલ્કત ધરી દીધી હતી, બલ્કે પોતાની જાતને પણ એમણે સમર્પણ કરી દીધી હતી.એમ કહીને કે નેતાજી જેમ ચાહે તે રીતે તેમનો ઉપયોગ કરી શકે છે, જે રીતે ચાહે તે રીતે તેમની પાસેથી કામ લઈ શકે છે.પણ અફસોસ આટલી ભવ્ય અને બેજોડ કુરબાનીની કોઈ ઈંતેહાસકારે નોંધ શુધ્ધાં નથી લીધી. સ્વાતંત્રય સંગ્રામમાં મેમણોનું ઘણું મોટું યોગદાન હતું તે તમે અ. હબીબના જીવન કાર્યો ઉપરથી જાણી શકશો.


અબ્દુલ હબીબ હાજી યુસુફ મારફાનીનો જન્મ ધોરાજીમાં થયેલ,આ ધોરાજી શહેરની પણ એક કરૂણ કહાની છે. જૂનાગઢના બાબી નવાબ બહાદુર ખાનજી પહેલાના સમયમાં આરબોના પગાર ચઢી ગયેલા.પગાર ચૂકવવા નવાબ પાસે પૈસા નહીં. નવાબે પોતાના રાજયનું સુંદર શહેર ગોંડલના ઠાકોર કુભોજીને વેંચી તે પૈસામાંથી આરબોના પગાર ચૂકવ્યા.નવાબે વેચી નાખેલું એ શહેર તે આ ધોરાજી,ગુજરાત કે ભારત આખામાં મેમણ બિરાદરીની ઉમદા ખાણ એટલે ધોરાજી.આ ધોરાજી શહેર મેમનોની સાહસિક અને કુશાગ્ર વ્યાપારિક કુનેહને હિસાબે વિશ્વમાં ખ્યાતિ પામ્યું છે. સાહસિક વીર વિશ્વ પ્રવાસી હાજી સુલેમાન શાહ મોહંમદ લોધિયા અને મહાન દાનવીર અને રાષ્ટ્રભકત અબ્દુલ હબીબ મારફાની જેવા આંતરરાષ્ટ્રીય સપૂત મેમણોએ આખા ભારતનું નામ વિશ્વમાં રોશન કર્યું છે તે આ ધોરાજીની નિપજ છે !


અ. હમીદ પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલાં બર્મા ગયેલાં. જ્યાં માયંગમિયા 'લોઅરબર્મા' ખાતે ધંધો શરૂ કર્યો. ત્યાં તેઓ પોતાના ધંધાકીય વર્તુળમાં 'હબીબ ચોકપ્યા' તરીકે ઓળખાવા લાગ્યા. ૧૯૧૮માં પહેલું વિશ્વ યુદ્ધ શરૂ થયું ત્યારે તેમણે બર્મી ભાષા શીખી લીધી હતી. તેમણે નાના પાયે એક ડિર્પામેન્ટલ સ્ટોર શરૂ કર્યો. પાંચેક વર્ષમાં સારી એવી પ્રગતિ કરી. આ સ્ટોરને વિસ્તૃત કરી સારી નામના મેળવી. મયંગમિયામાં પ્રથમ હરોળનો સ્ટોર બન્યો. ૧૯ર૪માં રંગુનમાં ડેલહાઉસ સ્ટ્રીટમાં એક કંપનીની સ્થાપના કરી. જે કંપનીની 'હીઝ માસ્ટર્સ વોઈસ' ગ્રામોફોન અને રેકોર્ડની એજન્સી હતી. ૧૯૨૮માં આ ધંધા સાથે 'ટોયલેટ બ્યૂટી પ્રોડકશન'નો ધંધો 'પપાવડ્ડીથી ક્યૂ ક્યૂ'ના નામે શરૂ કર્યો. આખા બર્મામાં આ જાણીતી બ્રાન્ડ થઈ ગઈ.૧૯૩૦માં તેમણે 'યુનાઈટેડ કેમિકલ વર્કસ' નામની બીજી કંપનીની સ્થાપના કરી. આ કંપની રંગુનની મોગલ સ્ટ્રીટમાં શરૂ કરી. પરફયુમરી કેમિકલ્સ તથા કાચની બાટલીઓ ઈત્યાદિ આયાત કરતા. આ કંપની પાસે ફ્રાન્સ, જર્મની, યુ.કે. અને હોલેન્ડની એજન્સી હતી.


૧૯૪૧ના ઓકટોબરમાં બીજું વિશ્વ યુદ્ધ શરૂ થયું. રંગુન ઉપર પહેલો બોંબ જાપાને,ઓકટો-નવેમ્બરમાં ફેંક્યો. પછી ૧૦-૧૫ દિવસે બોંબ વર્ષા થતી રહેતી. દરેક લોકો રંગુન છોડી ગામડા તરફ ભાગતા. ૧૯૪૨માં યુદ્ધ મોટા પાયે વિસ્તર્યું. ત્યાં સલામતી ન લાગતાં હબીબભાઈએ પોતાના બીવી-બચ્ચાને બર્મા છોડી ધોરાજી (વતનમાં) મોકલી પોતે એકલા ધંધો સંભાળતા રંગુનમાં રોકાઈ ગયા.તેમની ધારણા હતી કે યુદ્ધ એકાદ મહિનો ચાલશે. પણ યુદ્ધ ૧૯૪૬ સુધી ચાલ્યું.


અ. હબીબનું ફેમિલી ધોરાજી ગયું તો તેમના એક માત્ર દિકરા નૂર મોહંમદને બ્રિટિશ પોલીસ હેરાન કરતી. તેમને થાણા પર લઈ તેમના પિતા હબીબભાઈ બાબત ખૂબ પૂછપરછ કરતી.અને માહિતી મેળવવા દબાણ કરતી. પોલીસ કહેતી તારા પિતા આઝાદ હિંદ ફૌજના અગ્રણી છે. બ્રિટીશરો સામે હિંદુસ્તાનની આઝાદી માટે કોણ લડી રહ્યું છે ? પોલીસે હબીબભાઈના દીકરા નૂરમોહંમદને પોલીસની રજા સિવાય ધોરાજી છોડવાની મનાઈ ફરમાવેલ.


પછી તો હબીબભાઈ અને દીકરા નૂરમોહંમદે કલકત્તા અને મુંબઈમાં 'યુનાઈટેડ બોટલ્સ એન્ડ પરફયુમરી કંપની' નામે ધંધો શરૂ કર્યો. ૧૯૪૬માં યુદ્ધ પૂરું થયું. નૂર મોહંમદ ફરી બર્મા ગયા અને બાપ-દીકરાએ ધંધો શરૂ કર્યો. પિતા-પુત્ર મળ્યા બાદ અબ્દુલ હબીબભાઈએ બર્માની લડાઈની અને સુભાષચંદ્ર બોઝની જે સવિસ્તાર વાત કરી તે આપણે જાણીએ.


અબ્દુલ હબીબ સુભાષચંદ્ર બોઝના બંગલાની પાસે, આઝાદ હિંદ બેંકની બરાબર સામે ચર્ચીલ રોડના બગીચામાં રહેતા હતા. હબીબભાઈ જણાવે છે કે, સુભાષચંદ્ર બોઝ એક ઘણા જ વિશ્વાસુ અને હિંદુ-મુસ્લિમને દિલથી ચાહવા વાળા હતા. પછી તે ફોજમાં હોય કે ફોજની બહાર હોય. તેઓ જાપાની સેના સાથે બ્રિટિશ સૈનિકોને પકડીને બર્મા લઈ આવ્યા. આ સૈનિકોને જાપાની ફોજે પકડયા હતા. અને તેઓ સિંગાપોરમાં શરણે આવ્યા હતા. નેતાજીનો ઈરાદો ઈમ્ફાલ-આસામ ઉપરથી હિંદુસ્તાન ઉપર હુમલો કરવાનો હતો. જેથી ગાંધીજીની 'ભારત છોડો' ચળવળને મદદ કરી શકાય. તથા ઈન્ડિયત સબ કોસ્ટિનેન્ટને યુદ્ધ થઈ બચાવી રક્તપાતથી સુરક્ષિત રાખી શકાય. તે વખતે નેતાજી ધારતા હતા કે યુદ્ધ છ મહિનાથી વધારે ટકશે નહી અને કંઈક પરિણામ આવશે. પોતે પોતાના તૈયાર સૈનિકો દ્વારા બર્માથી હલ્લો કરવાનું શરૂ કરશે. બ્રહ્માની પરિસ્થિતિ તે સમયે ઘણી જ ચિંતાજનક હતી. કારણ રોજના લગભગ ૧૦૦ વિમાનો બોમ્બાર્ડમેન્ટ કરતા હતા. સતત બોંબ વર્ષાને હિસાબે હિંદુસ્તાન ઉપર આક્રમણ કરવાનું મોડું થઈ ગયું. ૧૯૪૫માં એક હુમલો આસામ-ઈમ્ફાલ સીમા પર કર્યો પણ ખાસ સફળતા મળી નહીં.


એક દિવસ સુભાષચંદ્ર બોઝે હબીબભાઈને મળવા માટે કહેવડાવ્યું કે, તેઓ હબીબભાઈને મળવા ચાહે છે. હબીબભાઈએ કહેવડાવ્યું કે આપ જહેમત ન લો. હું પોતે જ આપને મળવા આવીશ. હબીબભાઈ નેતાજીને મળ્યા ત્યારે સાહેબે તેમને કહ્યું કે, 'આપણી ફોજ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે અને એ જાપાની સરકાર સાથે એવા કરાર કર્યા છે કે અમે એક સ્વતંત્ર સેના છીએ અને જાપાનીઝ પાસેથી કોઈજ પ્રકારની મદદ લઈશું નહીં, નહીં તો તેઓ સ્વાધીન થઈ શકશે નહીં.' આ બધી પરિસ્થિતિથી વાકેફ કરી થોડો ઘણો ભંડોળ આપવા હબીબભાઈને વાત કરી. લડાઈ સમાપ્ત થાય ત્યાં સુધી ખર્ચ ચલાવાયા. હબીબભાઈએ વચન આપતાં કહ્યું હું પ્રયત્ન કરીશ.


રંગુનમાં દર મહિને ભારતીયોની સભા યોજાતી એમાં નેતાજીનું પ્રવચન સાંભળવા ૫૦૦૦ જેટલા લોકો એકત્રિત થતા અને દરેક દાન આપતા. આ મિટીંગમાં 'સેવકે - હિંદ' (SERVANT OF INDIA) તરીકેનો સર્વ પ્રથમ મેડલ (ચંદ્રક) પ્રાપ્ત કરનાર ભાઈ હબીબ પોતાની જિંદગીની તમામ પૂંજી, જમીન-જાગીરને દસ્તાવેજનું પોટલું અને કોથળો ભરેલ સોનાનાં ઘરેણાં-ઝવેરાત લઈ ભારતની સ્વતંત્રતાના છેલ્લા જંગ માટે અર્પણ કરવા અત્રેમાં ત્રાજવા-કાટલા સાથે હાજર થયા.


જ્યારે સુભાષચંદ્ર બોઝે પોતાનું ભાષણ શરૂ કર્યું ત્યારે તેમણે લોકોને કહ્યું, 'મેં ભાઈ હબીબને સેનાની મદદ કરવા બોલાવ્યા છે. કારણ કે હવે અધિક ભંડોળ બચ્યું નથી, જેથી સેનાનો ખર્ચ ચલાવી શકાય. ભાઈ હબીબ ને મેં આ પરિસ્થિતિનો ખુલાસો કર્યો છે. અત્યારે તેઓ આ સભામાં હાજર છે. હું એવી ઉમ્મીદ રાખું છું કે આપણી આ કઠિન ઘડીમાં દાન કરી મદદ કરશે અને હવે હું ભાઈ હબીબને બોલવા માટે આમંત્રિત કરું છું.'


પોતાની લાગણી અને મનોભાવ વ્યક્ત કરતાં આ સમારોહને સંબોધન કર્યું. આ પ્રસંગે હાજર વેપારીઓ અને જમીનદારોના એક જબ્બર શ્રોતાજનોના સમૂહને લાગણી અને ઉર્મિથી પ્રેરિત કર્યા. જયારે કાંસ્ય મુખ અને ચપળ ૫૦ વર્ષના એક ગૃહસ્થ ભાઈ અબ્દુલ હબીબ હાજી યુસુફ મારફાની તા. ૯ જુલાઈ ૧૯૪૪ના રવિવારના દિવસે વ્યાસપીઠ તરફ આગળ વધ્યા અને સોના-ચાંદી અને હીરા ઝવેરાતથી ભરેલો કોથળો અને દસ્તાવેજનું બંડલ એક ખૂણામાં મૂકયું. સુભાષચંદ્ર બોઝ સાથેની આ અંગત મિટીંગમાં તેમણે એલાન કર્યું કે મારી પાસે જે દોલત હતી તે તથા સોનું લઈ આવ્યો છું. મારા ઘરે મારી પાસે મેં કંઈ બાકી રાખ્યું નથી. મારે આ સોના ઝવેરાતથી નેતાજી સુભાષચંદ્ર બોઝને તોલવા છે. અને તેમના વજન જેટલું સોનું આઝાદ હિંદ ફૌજને દાન કરવું છે. નેતાજીને તુલામાં બેસાડી તોલવામાં આવ્યા. ૧૦-૧૫ તોલા જે કાંઈ વધ્યું તે પણ અર્પણ કરી દીધું. હબીબભાઈની ખુશીનો પાર ન હતો. આ અવસરે 'નેતાજી વીક' (NETAJI WEEK) ની ઉજવણીના પ્રસંગે વેપારીઓની સભાનું આયોજન થયું હતું. 


તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયાં. તેઓ આવડી મોટી રકમની અપેક્ષા નહોતા રાખતા.  આ જોઈ સુભાષચંદ્ર બોઝ પણ આશ્ચર્યચકિત થઈ પોતાનું ભાષણ શરૂ કર્યું. તે વખતે તેમની આંખોમાં આસુ હતા. તેમણે શ્રોતાજનો સમક્ષ ખુલાસાઓ કર્યો કે મેં પોતે એવી જબરદસ્ત રકમની દેણગી મારા સમગ્ર જીવન દરમિયાન પણ મળવાની અપેક્ષા રાખી ન હતી. હું આશ્ચર્યચકિત છું અને ભાઈ હબીબ પાસેથી આવી જબરદસ્ત રકમની મને અપેક્ષા ન હતી. તેમણે આગળ કહ્યું કે, 'જ્યારે હું કોંગ્રેસ પાર્ટીનો પશ્ચિમ બંગાળનો લીડર હતો ત્યારે મારા જીવન દરમિયાન હિંદુસ્તાનમાં પણ ડોનેશનો જોયા છે. મોટા મોટા ઉદ્યોગપતિઓ દા.ત. દાલમિયા, બિરલા અને બીજા ઘણાઓને દાન આપતા જોયા છે. તેઓ એક દિવસે દાન આપતા અને બીજા દિવસે IMPORT LICENSE (આયાતનો પરવાનો) વસુલ કરતા અથવા બીજી કોઈ વસ્તુ દેણગીના બદલામાં હાંસલ કરતા. પરંતુ ભાઈ હબીબની વાત તદ્દન જુદી જ છે. હમણાં જ તેમણે કહ્યું કે તેમની પાસે જે કંઈ હતું તે બધું જ તે લઈ આવ્યા છે. અને કંઈ જ ઘરે છોડી આવ્યા નથી. માટે હું પુનઃ કહીશ કે આ એક અચંબા ભર્યો કરીશ્મો છે. જે આ અત્યારે આધુનિક જગતમાં હું જોઈ રહ્યો છું. મેં મારી સેનાની વાસ્તવિક પરિસ્થિતિ વર્ણવી કહ્યું કે આ આટલા પૈસા અમારી પાસે છે અને ફોજનો ખર્ચ ચલાવવા માટેની આ છેવટની માલ-મિલકત છે.આ માટે સારો એવો કુશળ વહીવટ અને વ્યવસ્થાની જરૂર છે.જેથી એક સારા વ્યાપારીની જેમ યથાયોગ્ય ખર્ચ ચલાવી શકાય. નહિં તો બધા પૈસા અસાધારણ રીતે ખર્ચાઈ ખતમ થઈ જશે.


તે કારણે હું ભાઈ હબીબને, તેમની પોતાની મંજુરી કે સ્વીકૃતિ સિવાય, આજથી 'ડાયરેક્ટર જનરલ ઓફ આઝાદ હિંદ બેંક' તરીકે નિમણૂક કરું છું. મારી તેમને વિનંતી છે કે તેઓ હોદો સ્વીકારે જેથી બધો ભંડોળ અયોગ્ય રીતે વેડફાઈ ન જાય. આમ કરવાનું તાત્પર્ય એ છે કે આપણને ભાઈ હબીબે આપેલી દેણગીની રકમ પોતે જ કરકસરથી ખર્ચશે. જેથી (આ ભંડોળ) લાંબા સમય સુધી ચાલી શકશે.' તેમ નેતાજી સુભાષચંદ્ર બોઝે કહ્યું.


અ. હબીબે નેતાજીની સૂચનાનો સ્વીકાર કર્યો. બીજા જ દિવસે તેઓ 'આઝાદ હિંદ બેંકના ડાયરેકટર જનરલ' બન્યા. અને સાથે જ તેમને 'કલેકટર ઓંફ ઈકોનોમિક ડાયરેક્ટર ફૉર આઝાદ હિંદ ફોજ' તરીકે બિરદાવ્યા. નેતાજીએ ઘોષણા કરી કે ભાઈ હબીબને 'સેવકે હિન્દ'નો ચંદ્રક હું બક્ષું છું. ખરેખર તેઓ 'બેસ્ટ સન ઓંફ ઈન્ડિયા' (હિન્દુસ્તાનનો ઉત્તમ પુત્ર) તરીકે ઓળખાવવાને પાત્ર છે. વિશેષમાં તેમણે કહ્યું કે, 'આમ જનતા તરફથી મળેલ દાન કરતાં વીશ (૨૦) ગણું સોનું ભાઈ હબીબે તોળી આપ્યું છે.' નેતાજી સુભાષચંદ્ર બોઝે ફરી પોતાના પ્રવચન દરમ્યાન કહ્યું, 'હું આજની સભામાં તેની કદર કરું છું. હું અને અમારામાંની દરેક વ્યક્તિ સર્વશક્તિમાન ઈશ્વરની પ્રાર્થના કરીએ છીએ કે તે દરેકને ભાઈ હબીબ જેવું દિલ આપે !' અંતમાં તેમણે કહ્યું, 'આઝાદ હિંદ ફોર્સ તરફથી આ સોનું એકાદ અઠવાડિયાની અંદર વેંચી દેવાશે અને વેંચાણની (કિંમત) રકમ અખબારોમાં જાહેર થશે તે વાંચશો.


જ્યારે હબીબભાઈએ મુલાકાતમાં કહ્યું, 'મેં હિંદુસ્તાનના હેતુ અને જરૂરત માટે ફક્ત મેં મારી પૂંજી નહી પણ મારી પોતાની સેવા સુઘ્ધાં અમારા નેતાજીના કાજે નિશ્ચિત કરી મૂકી છે. ક્યારેય કોઈ વ્યકિતએ આવીને મને દાન આપવા ખાતર કહ્યું નથી. એ તો મેં મારી સ્વતંત્ર સ્વેચ્છાએ આપ્યું છે. મેં કંઈક કરવાની યોજના ઘડી હતી તે ખાતર 'નેતાજી વીક' (NETAJI WEEK) ની સંધીનો મેં લાભ લીધો અને હિંદુસ્તાનની મુક્તિ તથા આઝાદી માટ નમ્ર ફાળો આપ્યો.' એમ ભાઈ અબ્દુલ હબીબે કહ્યું.


જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, 'તમે પોતાની તમામ પૂંજી અર્પણ કરવા માટે શાથી પ્રેરાયા ? ત્યારે એ ભડવીર ધોરાજીના સપૂત મેમણે જવાબ આપ્યો, 'હું મારા મૃત્યુ પહેલાં સમગ્ર એશિયાને બ્રિટિશ સામ્રાજ્યનો સત્તા અને સ્વામિત્વથી સ્વતંત્ર અને આઝાદ જોવા ઈચ્છું છું અને સ્વાધીનતા માટે નેતાજી અમને વિજય પ્રાપ્તિનું માર્ગદર્શન આપશે.' ભાઈ હબીબે વધુમાં ઉમેર્યું 'જ્યારે સન્માનીય (HIS EXCELLENCY) નેતાજીએ 'સેવકે હિંદ' (SEVEK-E-HIND) નો મેડલ (ચંદ્રક) મારી છાતી પર પીનઅપ કર્યો-ટાંક્યો ત્યારે મેં ઘણો જ ગર્વ અને આનંદ અનુભવ્યો - કે હું હિન્દુસ્તાનનો સર્વપ્રથમ સેવક થઈશ !'


હિંદુસ્તાનને તાકાત, એકતા અને યુદ્ધ દ્વારા આઝાદ કરાવવાના આગ્રહી હિંદના સપૂત શ્રી સુભાષચંદ્ર બોઝે અંગ્રેજો સામે ખાંડાના ખેલ ખેલવા હામ ભીડી હતી. આ હેતુએ તેમણે આઝાદ હિંદ ફોજ ઊભી કરી હતી, જેમાં ૪૦ ટકા અફસરો અને ફોજીઓ મુસલમાન હતા.તેમના બર્માના મોરચે વેપાર અર્થે બર્મામાં સ્થાઈ મેમનોએ શ્રી સુભાષચંદ્ર બોઝને ભરપૂર સહકાર આપ્યો હતો.


આ સંબંધી આઝાદ હિંદ ફોજના મુખ્ય રીક્રુટીંગ ઓફિસર મુસ્તાક રાંદેરી (સુરતના હતા) પોતાના ઉદૂ પુસ્તક 'ઈન્કિલાબે મુશરીક'માં લખે છે, ૯ જુલાઈ ૧૯૪૪ના રોજ રંગુન (બર્મા)ના સીટી હાલમાં હિંદવાસીઓ સમક્ષ શ્રી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજને રૂપિયા એક કરોડ સાઈઠ લાખની ધરખમ રકમ અર્પણ કરનારા ધોરાજીવાસી મેમન હિંદ સેવક અ.હબીબ મારફાનીને અંજલિ આપતાં જણાવ્યું હતું કે, 'ભાઈઓ ! આજ મુઝે બે હદ ખુશી હુઈ હે કે લોગ અબ અપને ફરાઈઝ સમઝને લગે હૈ.... ઝીંદા કોમોં કો બાર બાર ઈન કે ફરાઈઝ યાદ દિલાને કી ઝરૂરત નહીં હુવા કરતી, આજ મૈં દેખ રહા હું કી લોગ સબ કુછ કુરબાન કરને પર આમાદા હો રહે હૈ, હબીબ શેઠને દુનિયા કે સામને જો નમૂના પેશ કિયા વો બહોત કાબિલે દાદ કદર હે. ઔર ઈસ નમૂને પર ચલકે વતનકી ખિદમત કરનેવાલે મુબારક લોગ હૈ. 


અ. હબીબ કહેતા કે 'સુભાષચંદ્ર બોઝની વિચારસરણી એવી હતી કે તેઓ હિંદુ અને મુસ્લિમને સગાભાઈ તરીકે ઓળખતા, જે રીતે મહાત્મા ગાંધી હિંદુઓને કહેતા કે,' 'મુસ્લિમ અમારા સગા ભાઇઓ છે.'


'આઝાદ હિંદ બેંક' ના ડાયરેક્ટર જનરલનું પદ સંભાળતી વખતે હબીબભાઈ પાસે ૪-૬ ગોદામોની ચાવીઓ હતી. જેમાં દવા, અનાજ, ગણવેશ તથા બીજી વસ્તુઓ (જે સેનાને લગતી) હતી. તેનો પરચેઈઝ ડિપાર્ટમેન્ટ તેઓ સંભાળતા હતા.


જ્યારે ૧૯૪૬માં જાપાનીઓની પડતી થઈ અને બ્રિટિશ તથા હિંદુસ્તાની સેના રંગુનમાં દાખલ થઈ ત્યારે તેમને બધાને પ્રિઝનર્સ ઓફ વૉર તરીકે કેદ કર્યા. ત્યારે અબ્દુલ હબીબે તમામ ગોદામોની ચાવીઓ તેમના તે વખતના કમાન્ડરને સોંપી. જાપાન સરકાર તરફથી મળેલ ક્વિનાઈન દવાનો જથ્થો તથા બીજી ઘણી ખરી વસ્તુઓ જે સેના માટે જરૂરી હોય છે તે બધું ગોદામોમાં હતું. જેની કિંમત બે કરોડ કરતાં પણ વધારે હતી. ગોદામોની ચાવીઓ કમાન્ડરતે સોંપ્યા પછી હબીબભાઈને પોલીસ કસ્ટડીમાં લઈ જેલમાં પૂરી દીધા. દર બે મહિને રંગુનમાં કેસ ચાલતો અને એડવોકેટ શરતચદ્ર બોઝ જે સુભાષચદ્ર બોઝના મોટાભાઈ હતા, તે વકીલ તરીકે તેમનો કેસ લડતા, ત્રણ-ચાર વખત હાજર થયા પછી બ્રિટિશ સરકારે હબીબભાઈનો કેસ બંધ કરી દીધો અને તેમને આઝાદ કર્યા. અબ્દુલ હબીબ મારફાની બ્રિટિશ સત્તાના કટ્ટર શત્રુ હતા.


જાપાનીઓની બર્મા ખાતે હાર થઈ ત્યાં સુધી લગભગ બે વર્ષ સુધી હબીબભાઈ નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની વહીવટી બાબતોમાં સલાહ આપતા રહ્યા અને ઘણી ખરી ખિદમતો (સેવા)ને અંજામ આપ્યો. ભાઈ હબીબ 'સેવકે હિંદ' સિવાય કોઈપણ અગત્યત્તી મિટીંગ બોલાવાતી ન હતી. નેતાજીની નજરમાં હબીબભાઈ ઘણા જ માનનીય વ્યકિત હતા. 'વૉઈસ ઓંફ સુભાષ' નામે એક ચાર વોલ્યુમનુ પુસ્તક છે. જે બંગાળી ભાષામાં કલકત્તાથી પ્રકાશિત થયું છે. જેમાં અ. હબીબ મારફાની વિષે સુભાષ બાબુએ સવિસ્તાર વાતો લખેલી છે.


હબીબભાઈ જણાવે છે કે, 'હિરોશીમા પર બોંબ નાખ્યા બાદ સુભાષચંદ્ર બોઝ હેલિકોપ્ટરથી થાઈલેન્ડ તથા સિંગાપોર જેવી જગાએ ઉડાન કરી. જ્યાં તેમના વિમાનને એક્સીડન્ટ થયો અને તેઓ ગુજરી ગયા. બધા હિંદુસ્તાની મુસલમાનોએ તેમનો એક ખૈરખ્વાહ, શુભેચ્છક ગુમાવ્યો. એક સારો મિત્ર ખોયો, જે હમેશાં મુસ્લિમો કાજે કોંગ્રેસ સાથે ન્યાય માટે ઝઘડતો.


ઉપરોક્ત તમામ લડાઈની વાતો ભાઈ હબીબે ધોરાજીમાં રહેતા તેમના પુત્ર નૂર મોહંમદને પત્ર દ્વારા જણાવેલ. યુદ્ધ બંધ થયા બાદ ૧૯૪૬માં નૂર મોહંમદ પોતાના પિતા હબીબભાઈ પાસે ગયા. કેમિકલ્સ અને દવાનો ફરી ધંધો શરૂ કર્યો. ૧૯૪૮ માં બર્મા સ્વાધીન થયું. ૧૯૫૦ની સાલમાં અબ્દુલ હબીબ હાજી યુસુફ મારફાની અને તેમના પત્ની હાજરા બાઈ બંને હજ કરવા ગયા. પ્રથમ તેઓ યુ.કે., જર્મની તથા ઘણી જગાએ ફરતા ફરતા ઈજિપ્ત આવ્યા. જયાં તેમના એક માત્ર પુત્ર નૂર મોહંમદ તેમની રાહ જોતા હતા. ત્યાંથી બધા સાથે હજ કરી ૧૯૫૦માં પાછા ફર્યા.


ઈ.સ. ૧૯૫૩માં અ. હબીબ અને ૧૯૬૦માં તેમના પત્ની ગુજરી ગયા. બંનેને રંગુનમાં દફનાવવામાં આવ્યા,


વાંચક મિત્રો, કેવો હતો એ ભવ્ય ભૂતકાળ ! દેશ ખાતર સર્વસ્વ કુરબાન કરનાર લાખો વિરલાઓ તદ્દન વિસરાઈ ગયા ! ભાઈ હબીબ જેવાની દેશ ખાતર આ અનમોલ કુરબાની આજે કોઈ જ યાદ કરતું નથી કે ક્યાંય સાંભળવા પણ મળતું તથી. દેશ ખાતર જવલ્લે જ બનતા આવા બનાવોને શિક્ષણમાં સ્થાન આપવા સરકારે કોશિશ કરવી જોઈએ. મુસ્લિમ કોમ ઉપર બદનામીની ચાદર ઓઢાડનારાઓ અને રાષ્ટ્ર કાજે મુસ્લિમોએ કોઈ જ બલીદાન આપ્યું નથી,તેવું કહેનારાઓએ સુભાષચંદ્ર બોઝે લખેલી 'વૉઈસ ઓફ સુભાષ' વાંચવી જ રહી ! સરહદના સળગતા સીમાડાઓની ફિકરની સાથે-સાથે ઘરમાં પ્રગટતી વારંવારની માનવતાને દઝાડતી,સંસ્કૃતિ, ભાઈચારો અને માનવિય મૂલ્યોનું સત્યાનાશ કરતી અંદરની આગને ઠારવા માટે પ્રયત્ન કરીશું તો જ રાષ્ટ્રમાં શાંતિ સ્થપાશે. શાંતિ હશે ત્યાં જ વિકાસ હશે ! એટલે ભાઈ હબીબ જેવા મહાન સપૂતોને યાદ કરી (સુભાષ બાબુના ભામાશા) દિલમાંથી કીનો કાઢી એકતાને જ પ્રાધાન્ય આપીશું તો જ દેશ બદનામીમાંથી બહાર આવશે અને લોકો સુખ-ચૈનથી રહી વિકાસના પંથે પડશે. એટલે દિલથી એક જ દુઆ છે કે હે પરવરદિગાર ! ભારતવાસીઓની એક્તા અને શાંતિ માટેની કાકલુદીભરી દુઆ કુબુલ ફરમાવ...!!!

(સૌજન્ય : 'મેમન વેલફેર' ઈદ અંક - ર૦૦૬)

સાભાર : ગરવી ગુજરાતના ગૌરવવંતા મુસ્લિમો (ભાગ-૩)

Comments

Popular posts from this blog

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...