નવાબ સર ખ્વાજા સલીમુલ્લાહ બહાદુર, જેમણે માત્ર ભારતીય સ્વતંત્રતા માટે જ નહીં, પરંતુ મુસ્લિમ સમુદાયના કલ્યાણ માટે પણ કામ કર્યું હતું, તેમનો જન્મ હાલના બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં 7 જૂન, 1871 ના રોજ થયો હતો. નવાબ સલીમુલ્લાહ 1893 માં ડેપ્યુટી મેજિસ્ટ્રેટ બન્યા. પરંતુ યુરોપિયન વેપારીઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા શોષણને તેઓ સહન ન કરી શકતાં 1895 માં તેમણે આ નોકરી છોડી દીધી. તેમણે પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને સમાજ સેવા ક્ષેત્રે પ્રવેશ કર્યો. તેમણે ગરીબ મુસ્લિમોના વિકાસ માટે વિવિધ રીતે સેવાઓ આપી. તેમણે લોકોને શિક્ષિત કરવાને મહત્ત્વ આપ્યું. તેમણે અલીગઢમાં ‘મુહંમદન એંગ્લો-ઓરિએન્ટલ કોલેજ’ના વિકાસ માટે મોટી રકમ દાનમાં આપી. તેઓ 1901 માં તેમના પિતા નવાબ એહસનુલ્લાહના નિધન પછી ઢાકાના ચોથા નવાબ બન્યા. તેમણે 1906 માં બંગાળના ભાગલાને ટેકો આપ્યો, કેમ કે તેમને લાગ્યું કે આ પગલું જમીનદારો દ્વારા શોષણ કરવામાં આવતા ગરીબ મુસ્લિમ ખેડુતો માટે ફાયદાકારક સાબિત થશે. ગરીબ મુસ્લિમોના શૈક્ષણિક વિકાસને લક્ષ્યમાં રાખીને, તેમણે 1906 માં પૂર્વ બંગાળ-આસામ પ્રાંતીય શૈક્ષણિક પરિષદનું આયોજન કર્યું. મુસ્લિમો માટે શૈક્ષણિક તકોમાં સુધારો લાવવા તેમણે ઢાકામાં યુનિવર્સિટી સ્થાપવાની માંગ કરી. તેઓ મુસ્લિમો માટે તેમના હિતોની રક્ષા માટે એક અલગ રાજકીય પક્ષ બનાવવા માંગતા હતા અને આ સંદર્ભે લગભગ બે હજાર મુસ્લિમ નેતાઓને પત્ર લખ્યા હતા. તેમણે તેમના મહેલ, ઢાકામાં આવેલ ‘એહસાન મંઝિલ’ ખાતે આ બાબતે ચર્ચા કરવા આમંત્રણ આપ્યું. તેમણે 27 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર, 1906 દરમિયાન અલીગઢમાં ઓલ મુસ્લિમ મુહંમદન શૈક્ષણિક પરિષદનું પણ આયોજન કર્યું હતું. ભોપાલની બેગમ, અલી બ્રધર્સ અને મૌલાના અબુલ કલામ આઝાદ જેવી અગ્રણી હસ્તીઓએ આ સંમેલનમાં ભાગ લીધો હતો. સંમેલનના અંતિમ દિવસે, નવાબ સર ખ્વાજા સલીમુલ્લાહ બહાદુરે ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગની દરખાસ્ત આગળ ધપાવી અને તેની સ્થાપના માટેની આવશ્યકતા સમજાવી. તેમના પ્રયત્નોને લીધે ‘ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ’ ની રચના થઈ, જેમાં તેમણે વિવિધ ચાવીરૂપ પદ સંભાળ્યા. મુસ્લિમોના વિકાસ અને કલ્યાણ માટે તેમણે 1911 માં બ્રિટીશ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. 1914 સુધી તેઓ સ્વેચ્છાએ સક્રિય રાજકારણથી દૂર રહ્યા હતા, તેમણે ફક્ત તેમની સંપત્તિ શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થી છાત્રાલયોના વિકાસ માટે જ ખર્ચ કરી નહોતી, પણ તેમના માટે સરકારી ભંડોળ મેળવવા માટે જરાય થાક્યા વગર અવિરત રીતે કામ કર્યું હતું. નવાબ સર ખ્વાજા સલીમુલ્લાહ બહાદુરનું 15 જાન્યુઆરી, 1915 ના રોજ નિધન થયું હતું.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ)
મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment