બકર અલી મિર્ઝા, જેમણે નિઝામના નવાબને નિઝામ રાજ્યને ભારતીય સંઘમાં વિલિન કરવાની સલાહ આપતા ઐતિહાસિક નિવેદનનો મુસદ્દો તૈયાર કર્યો હતો, તેમનો જન્મ 7 માર્ચ, 1900ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદમાં થયો હતો. તેમણે તેમના વિદ્યાર્થીકાળથી જ સામ્રાજ્યવાદી દળોનો સખત વિરોધ કર્યો. જ્યારે તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા, ત્યારે તેઓ વિદ્યાર્થી સંઘના પ્રમુખ બન્યા હતા, જે રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા વિદ્યાર્થીઓના જૂથ સાથે રચવામાં આવ્યું હતું. બી.એ. (હોનર્સ) પૂર્ણ કર્યા પછી તેઓ મદદનીશ વન સંરક્ષક તરીકે નિઝામની સરકારી સેવામાં જોડાયા. તેમને કોઈપણ બ્રિટિશ વિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવાનું વચન આપતી ઘોષણા આપવા કહેવામાં આવ્યું હતું. આ શરત તેમની પસંદઘી અને સ્વતંત્રતા વિરુદ્ધ હોવાનું કહીને તેમણે નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું. બાદમાં તેમણે પોતાની જાતને જનસેવા માટે સમર્પિત કરી દીધી. તેમણે ટ્રેડ યુનિયન ચળવળમાં પ્રવેશ કર્યો અને ત્રણ લાખથી વધુ સભ્યો ધરાવતા જ્યુટ મિલ લેબર યુનિયનને મજબૂત બનાવ્યું. તેમણે જ્યુટ મિલ કામદારોની હડતાળનું નેતૃત્વ કર્યું અને તેમની માંગણીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી. પરંતુ હડતાલ દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી અને જેલના સળિયા પાછળ ઘણો લાંબો સમય પસાર કર્યો હતો. તેઓ બ્રિટિશ સત્તા પાસેથી દેશની મુક્તિની તીવ્ર ઇચ્છા ધરાવતા હતા અને 1947માં નિઝામ રાજ્યનું ભારતીય સંઘ સાથે વિલીનીકરણ માટે જાહેર સમર્થન મેળવ્યું હતું. તેમના મિત્ર ફરીદ મિર્ઝાની સલાહ મુજબ, તેમણે નવાબને ભારતીય સંઘ સાથે વિલીનીકરણની માંગ કરતો એક ખુલ્લો પત્ર લખી તૈયાર કર્યો હતો. તેનું શીર્ષક હતું ‘સાત પ્રખ્યાત મુસ્લિમો તરફથી નિઝામને પત્ર’.રઝાકારોની ધમકીઓની પરવા કર્યા વિના ઉર્દૂ સમાચાર પત્ર ‘પયામ’ અને ‘ઈમરોઝ’માં એ પત્ર પ્રકાશિત કરાવ્યું. આ પત્રથી નારાજ નિઝામ સરકારે તેમને નજરકેદ કરી દીધા. સપ્ટેમ્બર, 1948માં નિઝામ પર પોલીસ કાર્યવાહી બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. બકર અલી મિર્ઝા, બાદમાં પ્રાંતીય સંસદના સભ્ય બન્યા અને 1950 થી 1952 સુધી તે પદ પર રહ્યા. તેમણે તુર્કીમાં ઇસ્તંબુલ ખાતે યોજાયેલ આંતર સંસદીય સંઘ સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. તેમણે 1953માં નાનલ નગર ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનના જનરલ સેક્રેટરી તરીકે કામ કર્યું. તેમણે અફઘાનિસ્તાન સરકારના પ્રેસ સલાહકાર તરીકે પણ કામ કર્યું. બકર અલી મિર્ઝા, જેઓ 1962-1972ના સમયગાળા દરમિયાન લોકસભાના સભ્ય હતા, તેમણે 1 જાન્યુઆરી, 1973ના રોજ અંતિમ શ્વાસ લીધા.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)
Comments
Post a Comment