જીવનભર સાંપ્રદાયિક રાજકારણ સામે લડનારા મૌલવી ઈલાયદત્ત મોઈદુનો જન્મ 1890માં કેરળના મલબાર જિલ્લામાં પોન્નાની પાસેના મારનચેરી ગામમાં થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ કોડેનચેરીમાં અને ઉચ્ચ શિક્ષણ વઝક્કડ ખાતેની અરેબિક કૉલેજમાં મેળવ્યું હતું. જ્યારે તેમણે હોમ રૂલ ચળવળમાં ભાગ લીધો, ત્યારે તેમણે 1919 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ લીધું.ભારતીય રાષ્ટ્રીય ચળવળની પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરતી વખતે, તેઓ માત્ર એક સક્ષમ આયોજક તરીકે જ નહીં, પરંતુ એક સારા વક્તા તરીકે પણ પ્રખ્યાત થયા. મુહમ્મદ અબ્દુલ રહેમાન, જે કેરળના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની બન્યા હતા, તેઓ ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં જોડાવા માટે મૌલવી દ્વારા પ્રેરિત થયા હતા. મૌલવીએ 1921માં મહાત્મા ગાંધી અને અલી ભાઈઓના પ્રભાવ હેઠળ ખિલાફત અસહકાર ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. અસહકાર ચળવળમાં ભાગ લેવા બદલ તેમને અઢી વર્ષ જેલવાસ ભોગવ્યો હતો. તેમણે મલબાર વિસ્તારના મોપલાહ સમાજમાં સુધારા લાવવા માટે ‘મજલિસ ઉલ ઉલેમા’ શરૂ કરી અને તેમણે તેના સેક્રેટરી તરીકે કામ કર્યું. તેમણે મોપલાઓને રાષ્ટ્રીય ચળવળના પ્રવાહમાં સામેલ કરવા માટે મોપલા નેતા મૌલવી અલી મુસલાર સાથે ચર્ચા કરી. તેમણે લોકોમાં રાષ્ટ્રવાદી વિચારધારાનો પ્રચાર કરવા માટે અબ્દુલ રહેમાનની મદદથી કાલિકટથી 1929માં 'અલ-અમીન' નામનું અખબાર શરૂ કર્યું. પરંતુ, અંગ્રેજોએ તેના પર પ્રતિબંધ મૂકી દીધો. તેમણે 1930 માં સવિનય અસહકાર ચળવળના ભાગ રૂપે પાયન્નુર ખાતે મીઠાના સત્યાગ્રહમાં ભાગ લીધો હતો.જેના માટે તેમને બ્રિટિશ પોલીસની ક્રૂરતા અને નવ મહિનાની જેલનો સામનો કરવો પડ્યો હતો. તેમણે 1938માં મલબારના જિલ્લા બોર્ડના સભ્ય તરીકે લોકોની સેવા કરી હતી. તેમણે ભારત છોડો ચળવળને મજબૂત કરવા માટે 1942 માં કેરળમાં વ્યાપક પ્રવાસ કર્યો, જેના માટે તેમને ફરીથી ત્રણ વર્ષ માટે જેલવાસ કરવામાં આવ્યો. મૌલવીએ શરૂઆતથી જ મુસ્લિમ લીગના સાંપ્રદાયિક રાજકારણનો સખત વિરોધ કર્યો. તેમણે કહ્યું હતું કે 'જો મુસ્લિમ લીગ સાંપ્રદાયિક સંગઠન નથી,તો દુનિયામાં કોઈ સાંપ્રદાયિક સંગઠન નહીં હોય.' તેમની ટિપ્પણીથી ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગના નેતાઓ નારાજ થયા હતા. તેમણે મુસ્લિમ લીગની વિભાજનકારી રાજનીતિ સામે શરૂઆતથી જ ખૂબ હિંમતથી નારાજગી દર્શાવી હતી. મૌલવી વિવિધ ભાષાઓથી પરિચિત હતા અને વિવિધ વિષયો પર અનેક પુસ્તકો લખ્યા હતા. તેમને આઝાદી બાદ સંસદમાં પ્રવેશવાની તક મળી. પરંતુ, તેમણે પોતાની જાતને સામાજિક સુધારણા અને સાહિત્યિક પ્રવૃત્તિઓ સુધી જ સીમિત કરી દીધી. સ્વતંત્રતા સેનાની, પ્રતિબદ્ધ સમાજ સુધારક અને લેખક એવા મૌલવી ઈલાયદત્ત મોઈદુનું 1995માં નિધન થયું હતું.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)
Comments
Post a Comment