ઇન્ડિયન નેશનલ આર્મીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર મેજર જનરલ અઝીઝ અહેમદ ખાનનો જન્મ 1906માં ભારતના પંજાબ રાજ્યના કપૂરતલા જિલ્લાના બેગોવાલ શહેરમાં થયો હતો. તેમણે બ્રિટિશ ઈન્ડિયન આર્મીની કપૂરતલા ઈન્ફન્ટ્રીમાં મેજર તરીકે કામ કર્યું હતું. જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ આર્મીનો જાપાન દ્વારા પરાજય થયો ત્યારે સૈનિકોએ પણ સિંગાપોરમાં જાપાની સેનાને આત્મસમર્પણ કર્યું. જાપાનના શાસકોની પ્રામાણિકતા પર તેમને વિશ્વાસ ન હોવાથી, તેમણે જાપાનની મદદથી ઇંડિયન નેશનલ આર્મીની રચનાના વિચારનો વિરોધ કર્યો. પરંતુ, તેમણે ભારતીય યુદ્ધ કેદીઓના કલ્યાણ માટે મે, 1942માં ઈન્ડિયન ઈન્ડેન્ડન્સ લીગને ટેકો આપ્યો હતો. અઝીઝ અહેમદ ખાને જૂન, 1942માં બેંગકોક ખાતે આયોજિત ઈન્ડિયન ઈન્ડેન્ડન્સ લીગની કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. તેમણે ઈન્ડિયન નેશનલ આર્મીની નહેરુ બ્રિગેડનું નેતૃત્વ કર્યું હતું, જે કેપ્ટન મોહન સિંહના નેતૃત્વમાં રચાઈ હતી. તેમણે ઇંડિયન નેશનલ આર્મીને વિખેરી નાખવામાં મોહન સિંહને ટેકો આપ્યો હતો. તેમણે ઇંડિયન નેશનલ આર્મીના કમાન્ડર તરીકેની જવાબદારીઓ લેવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે ક્રાંતિકારી નેતા રાશ બિહારી બોઝ અને તેના વિસર્જન પછી જાપાની કમાન્ડરો દ્વારા તેમને વિનંતી કરવામાં આવી હતી. બાદમાં, અઝીઝ અહેમદ ખાનને સુભાષ ચંદ્ર બોઝ દ્વારા નેતૃત્વ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યા બાદ, ઇંડિયન નેશનલ આર્મીમાં ફરી જોડાવા માટે સહમત થયા હતા. અઝીઝને બોઝ પ્રત્યે ખૂબ આદર હોવાથી, તેમણે INA ના પુનરુત્થાન પછી ફરીથી નહેરુ બ્રિગેડનો હવાલો સંભાળ્યો. સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં રચાયેલી આઝાદ હિંદ સરકારમાં પણ તેમને મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મે, 1944માં જ્યારે અઝીઝ અહેમદ ખાન મલાયાથી બર્મા પહોંચ્યા, ત્યારે તેમને INAના નવા રચાયેલા બીજા વિભાગને મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી. બાદમાં, તેઓ ઑક્ટોબર, 1944 માં INA ના બીજા વિભાગ સાથે રંગૂન પહોંચ્યા ત્યારે તેમને યુદ્ધ પરિષદના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. જ્યારે સુભાષ ચંદ્ર બોઝ એક કોન્ફરન્સમાં હાજરી આપવા ટોક્યો ગયા, ત્યારે તેમણે તેમના સ્થાને અઝીઝને સર્વોચ્ચ કમાન્ડર તરીકે નિયુક્ત કર્યા.પરંતુ, 1945માં બર્માના યુદ્ધના મેદાન તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે અઝીઝ બોમ્બ ધડાકામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે દરમિયાન મેજર જનરલ શાહ નવાઝે તેમનો ચાર્જ સંભાળ્યો હતો. બાદમાં, બોઝ દ્વારા એપ્રિલ, 1945માં અઝીઝને INAના પ્રથમ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો. પરંતુ, દારૂગોળાની અછત, ખોરાક અને ખરાબ હવામાનને કારણે ઊભી થયેલી અનિવાર્ય પરિસ્થિતિમાં તેણે બ્રિટિશ સેનાને આત્મસમર્પણ કર્યું. જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનનો સંપૂર્ણ પરાજય થયો હતો, ત્યારે ઇંડિયન નેશનલ આર્મીએ મે, 1945માં પીછેહઠ કરી હતી. મેજર જનરલ અઝીઝ અહેમદ ખાન તેમની યોદ્ધા તરીકેની ભાવના અને પ્રભાવશાળી વક્તૃત્વ કુશળતા માટે પ્રખ્યાત હતા.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)

Comments
Post a Comment