મુહમ્મદ રજબ અલી, જેમણે ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લીધો હતો અને નિઝામ રાજ્યના ભારતીય સંઘમાં વિલીનીકરણ માટે ચળવળનું નેતૃત્વ કર્યું હતું, તેમનો જન્મ 1લી જાન્યુઆરી, 1920ના રોજ આંધ્ર પ્રદેશના ખમ્મમ જિલ્લાના પાપતાપલ્લી ગામમાં થયો હતો. તેમના માતા-પિતા અમીનાબી અને મહબૂબ અલી હતા. તેમણે નવમા ધોરણ સુધીનો અભ્યાસ પોતાના વતનના ગામમાં કર્યો હતો. તે પછી તેમણે ઉત્કુર ખાતેની સરકારી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું. બાદમાં, તેમણે હૈદરાબાદ રાજ્યના સરકારી પ્રેસમાં તેલુગુ-ઉર્દૂ અનુવાદક તરીકે કામ કર્યું. થોડા સમય પછી, તેઓ તેમના વતનના ગામમાં પાછા આવ્યા અને ગામના કરનમ તરીકે ચાર્જ સંભાળ્યો. રજબ અલી નાનપણથી જ સ્વતંત્ર વિચારો ધરાવતા હોવાથી તેઓ આંધ્ર મહાસભાના કાર્યક્રમો તરફ આકર્ષાયા. 24 વર્ષની ઉંમરે, તેમણે 1944માં આંધ્ર મહાસભામાં સંપૂર્ણ સભ્યપદ મેળવ્યું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આહ્વાનના જવાબમાં તેમણે રાષ્ટ્રીય ચળવળની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. બ્રિટિશ સરકારે 'જમીન અને ખોરાક' (ભૂમિ-ભૂક્તિ) માટેની ચળવળમાં ભાગ લેવા બદલ તેમને સાડા ત્રણ વર્ષ સુધી અટકાયતમાં રાખ્યા હતા.તેમની મુક્તિ પછી પણ તેઓ ચળવળમાં તેમની પ્રવૃત્તિઓ ચાલુ રાખતા હોવાથી, સરકારી દળોએ તેમની ફરી અટકાયત કરી હતી. ત્રણ મહિના માટે વારંગલ જેલમાં ધકેલી દીધા હતા. તેમણે 1947માં નિઝામ રાજ્યના ભારતીય સંઘ સાથે વિલીનીકરણ માટે ચળવળનું સક્રિય નેતૃત્વ કર્યું હતું. બાદમાં તેમણે કોમ્યુનિસ્ટ પાર્ટી ઈન્ડિયામાં સભ્યપદ મેળવ્યું હતું, જેના પરિણામે તેઓ ફરીથી લગભગ ત્રણ વર્ષ અને ત્રણ મહિના સુધી ઘણી જેલોમાં અટકાયતમાં રહ્યા હતા. બાદમાં, તેલંગાણાના ખેડૂતોના સશસ્ત્ર સંઘર્ષમાં તેમની ભાગીદારી બદલ ભારતીય યુનિયન સેના દ્વારા તેમની ફરી ધરપકડ કરવામાં આવી હતી. સેનાએ મુહમ્મદ રજબ અલીના સાથીદારોને ગોળી મારી અને જેલમાં મોકલી દીધા હતા. રજબ અલી સ્વતંત્ર ભારતમાં ખેડૂતો અને મજૂર વર્ગના અધિકારો માટે લડ્યા. 1964માં ચીન સાથેના યુદ્ધ દરમિયાન 18 મહિના સુધી તેમને ફરીથી અટકાયતનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (M)ના ઉમેદવાર તરીકે 1967માં ખમ્મમ મતવિસ્તારમાંથી વિધાનસભામાં ચૂંટાયા હતા. તેમણે ખમ્મમ જિલ્લામાં 1971માં ઐતિહાસિક ‘હંગર માર્ચ’નું નેતૃત્વ કર્યું હતું. તેઓ 1972 માં આંધ્રપ્રદેશ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જીત્યા અને વિધાનસભાના સભ્ય બન્યા, પરંતુ 1978 માં હાર્યા. બાદમાં ફરી એકવાર તેઓ ખમ્મમ જિલ્લાના સુજાતાનગર મતવિસ્તારમાંથી 1983, 1985, 1989 અને 1994 ની ચૂંટણીમાં જીત્યા. મુહમ્મદ રજબ અલી, જેઓ જનતાના માણસ હતા અને ધારાસભ્યો માટે રોલ મોડલ હતા, તેમણે 1 માર્ચ, 1996 ના રોજ અંતિમ શ્વાસ લીધા.
- સૈયદ નસીર ( લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)

Comments
Post a Comment