સૈયદા મુહમ્મદી બેગમ ભારતીય ઉપખંડની પ્રથમ મહિલા હતી જેઓ સાપ્તાહિક સામયિક, ‘તેહઝીબ-એ-નિસ્વાન’ ના સંપાદક હતા. આ ઉર્દૂ મેગેઝિન મહિલાઓની મુક્તિ માટે સમર્પિત હતું. મેગેઝિન 1લી જુલાઈ, 1898 ના રોજ તેની પ્રથમ આવૃત્તિ સાથે બહાર પાડવામાં આવ્યું હતું.
મુહમ્મદી બેગમે તેમના પતિ મુમતાઝ અલી સાથે મળીને કામ શરૂ કર્યું. મુમતાઝ, જેમણે મહિલાઓના અધિકારો પર ભાર મૂકતું પુસ્તક ‘હુકૂક-એ-નિસ્વાન’ પણ લખ્યું હતું, તે દારુલ ઉલૂમ, શિક્ષિત દેવબંદ લાહોર સ્થિત પ્રકાશક હતું. અલીગઢ ચળવળના લીડર બન્યા પછીના વર્ષો દરમિયાન તેઓ સર સૈયદ અહમદ ખાનના નજીકના સાથી હતા. હકીકતમાં, AMUમાં એક હોસ્ટેલનું નામ મુમતાઝ અલીના નામ પર રાખવામાં આવ્યું છે. મુહમ્મદી અને તેમના પતિને સમજાયું કે મુસ્લિમ પુરુષોની સાથે મુસ્લિમ મહિલાઓ પણ આધુનિક શિક્ષણ મેળવે તે ખુબ જરૂરી અને મહત્વનું છે. એ ધ્યાનમાં રાખવું કે જ્યારે મેગેઝિન લોન્ચ કરવામાં આવ્યું ત્યારે અલીગઢ કોલેજ માત્ર છોકરાઓની સંસ્થા હતી અને અલીગઢમાં કોઈ મહિલા કોલેજ નહોતી.
વાસ્તવમાં, સર સૈયદ અહમદ ખાન મહિલા શિક્ષણ પર મુમતાઝ અને મુહમ્મદી સાથે અસંમત હતા. સર સૈયદના અવસાન સુધી તેઓએ ખરેખર મહિલાઓ માટેનું સામયિક શરૂ કર્યું ન હતું.
પંજાબના શાહપુરમાં 1878માં જન્મેલી મુહમ્મદી બેગમે તેમના પ્રથમ પતિના મૃત્યુ બાદ 1897માં મુમતાઝ અલી સાથે લગ્ન કર્યા હતા. મુહમ્મદીના પિતા સૈયદ મુહમ્મદ શફી, વઝીરાબાદ હાઈસ્કૂલના આચાર્ય હતા અને તેમની દિકરીઓને આધુનિક શિક્ષણ મળે તેની ચિંતા અને તકેદારી કરી હતી. હકીકતમાં, મુહમ્મદી ક્રિકેટ રમતા હતા અને ઘોડા પર સવારી પણ કરતા હતા તે દિવસોમાં જ્યારે મહિલાઓને ઘરની અંદર રાખવામાં આવતી હતી. જ્યારે તેણીએ મુમતાઝ સાથે લગ્ન કર્યા, ત્યારે મુમતાઝ પહેલેથી જ લાહોરમાં એક પબ્લિશિંગ હાઉસ અને પ્રિન્ટિંગ પ્રેસના માલિક હતા.
એક વર્ષની અંદર, મુહમ્મદીએ તેણીના પતિ પાસેથી પ્રકાશન, સંપાદન અને પ્રૂફરીડિંગની કળા શીખી લીધી. તે અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ, ફારસી અને અરબી વાંચી શકતી હતી. ટૂંક સમયમાં જ મહિલાઓ માટે સમર્પિત પહેલું ઉર્દૂ સાપ્તાહિક ‘તેહઝીબ-એ-નિસ્વાન’ શરૂ કરવામાં આવ્યું.
અપેક્ષા મુજબ, લોકોએ આવા પ્રગતિશીલ સામયિકને હકારાત્મક રીતે ન લીધું. મુહમ્મદી અને મુમતાઝ જાણીતા શિક્ષિત લોકોને મફતમાં તેની નકલો મોકલતા હતા. બદલામાં તેઓ મુહમ્મદીને ગંદા શબ્દોના લખાણ સાથેની નકલો પરત મેળવતા. મેગેઝિન ખૂબ જ ધીરે ધીરે પસંદ થયું અને ત્રણ મહિના પછી પણ માત્ર 70 લોકોએ મેગેઝિન માટે સબ્સ્ક્રાઇબ કર્યું, ત્રણ વર્ષ પછી 345 અને પાંચ વર્ષ પછી 428 સબસ્ક્રાઈબર બન્યા.
મુહમ્મદીનો એક પુત્ર હતો, ઇમ્તિયાઝ અલી, જેને તેઓ પ્રેમથી તાજ કહેતા હતા. તેણી ખાસ કરીને તેના માટે વાર્તાઓ, કવિતાઓ, નાટકો અને લોરી લખતી હતી. તેણીએ તેને સાહિત્યિક રુચિ ધરાવતો માણસ બનવાની તાલીમ આપી. ઇમ્તિયાઝ મેગેઝીનનું સંપાદન કરવા માટે મોટા થયા અને પોતાની જાતને ઉર્દૂ સાહિત્યના મહાન વ્યક્તિઓમાંના એક તરીકે સ્થાપિત કરી.
મુહમ્મદીએ પાછળથી 1905માં મહિલાઓ માટેનું બીજું મેગેઝિન 'મુશીર-એ-મદાર' શરૂ કર્યું. જે તેમના મૃત્યુ પછી વધુ ટકી શક્યું નહીં. તેણે મહિલાઓ માટે શાળાઓ પણ સ્થાપી. મુહમ્મદી દ્વારા કરવામાં આવેલો એક ખૂબ જ રસપ્રદ પ્રયોગ એક ઓલ-વુમન શોપનો કર્યો હતો. આ દુકાન મહિલાઓ અને મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતી હતી અને કોઈ પણ પુરૂષને કોઈપણ કામ માટે દુકાનમાં પ્રવેશ આપવામાં આવતો ન હતો. રસપ્રદ વાત એ છે કે, અશરફ અલી થાનવીની બહિશ્તી ઝેવરનું શીર્ષક મુહમ્મદી દ્વારા લખાયેલી એક કવિતાથી પ્રેરિત છે.
1897 થી, મુહમ્મદીનું જીવન સામાજિક કાર્યમાં ખુબ જ વ્યસ્ત રહ્યું હતું. તેણીએ સામયિકોનું સંપાદન કર્યું, નિબંધો, વાર્તાઓ, કવિતાઓ લખી અને ભારતની મહિલાઓની મુક્તિ માટે જાહેર સભાઓ યોજી. આ સખત પરિશ્રમે તેણીના સ્વાસ્થ્ય પર ખૂબ અસર કરી અને 1908 માં 30 વર્ષની નાની ઉંમરે આ દુનિયા છોડી દીધી.
- શગુફી ફાતિમા, લેખક જાણીતા ઈતિહાસકાર છે
સૌજન્ય : હેરિટેજ ટાઇમ્સ

Comments
Post a Comment